શું ધારાસભ્ય પદ ઉછીનું બીજા કોઈને આપી શકાય?
બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભાની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠકના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયાએ ગજબનો ચમત્કાર કર્યો છે ! તેમણે પોતાની અનામત બેઠકને ઓપન બેઠક બનાવી દીધી છે !
શંભુનાથ ટૂંડિયા નવા ધારાસભ્ય નથી. તેઓ RSS-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવક હતા. 2014માં, તેઓ દસાડા વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ સપ્ટેમ્બર 2017 માં ગુજરાત ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બન્યા હતા. તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા. તેઓ સંત સવૈયાનાથ ધામ, ઝાંઝરકાના મહંત પણ છે.
શંભુનાથ ટૂંડિયાએ શિહોરના નાયબ કલેક્ટરને 15 ઓગસ્ટ 2025ના રોજ પત્ર લખ્યો છે : “હું વલ્લભીપુર/ ઉમરાળા/ ગઢડા બેઠકનો ચૂંટાયેલો ધારાસભ્ય છું. સમયના અભાવે હું જિલ્લા તથા તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી શકતો નથી. જેના લીધે વિસ્તારમાં વિકાસના કાર્યોની દરખાસ્તો તથા તે સંબંધી રજૂઆતો અને ચર્ચા વિચારણા થઈ શકતી નથી. તો મારી જગ્યા પર મારા વિસ્તારના અમારા આગેવાન દિલીપભાઈ અરજણભાઈ શેટા રહેવાસી વલ્લભીપુરને તાલુકા તથા જિલ્લાની સંકલન સમિતિ બેઠકમાં મારા પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરું છું. હવે પછી મારી ગેરહાજરી હોય ત્યારે મારા પ્રતિનિધિ તાલુકા/ જિલ્લાની બેઠકોમાં મારું પ્રતિનિધિત્વ કરશે. જેની આપ સાહેબને વિનમ્ર જાણ કરું છું.”
થોડાં પ્રશ્નો : [1] ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા એવી કઈ પ્રવૃત્તિ કરે છે કે જેથી એમને જ્યાંથી ચૂંટાયા છે, તે લોકો માટે સમય મળતો નથી? [2] સંકલન સમિતિની બેઠક ખૂબ મહત્વની હોય છે. તેમાં લોકોના પ્રશ્નોની ચર્ચા વહિવટી તંત્ર સાથે થાય છે અને કામની પ્રાથમિકતા નક્કી થાય છે. મહિનામાં એક વખત સંકલન સમિતિની બેઠક યોજાય છે. તે માટે પણ શંભુનાથ ટૂંડિયાને સમય મળતો નહીં હોય? [3] જો શંભુનાથ ટૂંડિયા પાસે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેવાનો સમય ન હોય તો તેમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપીને નિવૃત્ત થઈ જવું જોઈએ. તેઓ ધારાસભ્ય તરીકે પગાર મેળવે છે પણ ધારાસભ્ય તરીકે કામ કરવું નથી ! આ બિનજવાબદારી નથી? [4] તેઓ સંત સવૈયાનાથ ધામના મહંત હોવાથી કદાચ ધારાસભ્ય તરીકે ફરજ બજાવવાનો તેમને સમય મળતો નહીં હોય; એવું અનુમાન થઈ શકે. અથવા તો ધારાસભ્ય પદ તેમને નાનું પડતું હોય એવું પણ હોય ! કદાચ તેઓ પોતાને મિનિસ્ટર માનતા હોય એટલે તેમણે ‘વેઠિયા પ્રતિનિધિ’ની નિયુક્તિ કરી હશે? ગઢડા વિધાનસભા માટે તેઓ આયાતી ઉમેદવાર હતા. જો ભાજપે સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપી હોત તો આ સ્થિતિ થઈ ન હોત ! [5] શું ધારાસભ્ય પદ ઉછીનું બીજા કોઈને આપી શકાય? વળી અનામત બેઠકનું પ્રતિનિધિત્વ બિનઅનામત સભ્યને સોંપી શકાય? અનામત બેઠકને આ રીતે ઓપન બેઠક બનાવી દેવાય તો અનામત બેઠકનો કોઈ અર્થ સરે ખરો?
ધારાસભ્ય તરીકે વટ ભોગવવો છે/ પગાર-ભથ્થાં લેવા છે, પણ કામ કરવું નથી ! માત્ર શંભુનાથ ટૂંડિયાનો વાંક કાઢી શકાય તેમ નથી; સત્તાપક્ષના મોટભાગના ધારાસભ્યોની આ મનોવૃત્તિ છે. તેઓ પોતાના સત્વને કારણે નહીં પણ ધાર્મિક લાગણીઓના કારણે ચૂંટાયા છે તેવું તેઓ માને છે. કદાચ વધુ પડતી ધર્મ-શ્રદ્ધાના કારણે તેઓ એવું માનતા હશે કે વિધાનસભા વિસ્તારની સંભાળ લેવાની જવાબદારી અમારી નહીં પણ પ્રભુ રામજીની છે !rs
0 ટિપ્પણીઓ