અસંસ્કારી નેતાઓ કઈ રીતે સંસ્કારની વાતો કહેતા હશે? - પૂર્વ IPS રમેશ સવાણી ની કલમે

 


આપણા વડાપ્રધાન પોતાના પત્ની જશોદાબેનને સાથે રાખતા નથી કે છૂટાછેડા આપતા નથી ! ચૂંટણી વેળાએ સોગંદ ઉપર પોતે અપરણિત છે; તેવું કહ્યું હતું ! તેઓ જ્યારે PM બન્યા ત્યારે જશોદાબહેને શુભેચ્છાઓ પાઠવી હતી; પરંતુ વડાપ્રધાને તેમનો આભાર માનવાનો વિવેક પણ દાખવ્યો ન હતો ! સવાલ એ છે કે વડાપ્રધાન જ્યારે મહિલા અધિકારોની વાત કરે/ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ની વાત કરે ત્યારે એમની વાત કોઈના ગળે ઊતરે ખરી? સત્તાપક્ષમાં ડાયરાના કલાકારોને ટક્કર આપે તેવા એક એકથી ચડિયાતા નેતાઓ છે; જે લોકોને મનોરંજન પૂરું પાડે છે ! જૂઓ તો ખરા; કોઈને ગાંધીજી દેશદ્રોહી અને હત્યારો ગોડસે દેશભક્ત લાગે છે ! કોઈ કહે છે કે મહાભારત કાળમાં ઈન્ટરનેટ હતું ! તો કોઈ દાવો કરે છે કે દેશી ગાયના દૂધમાં સોનું હોય છે ! અંધશ્રદ્ધાનો ઠેકો જ રાખી લીધો છે !

ઉત્તરાખંડના CM તીરથસિંહ રાવતે 21 માર્ચ 2021 ના રોજ એક જાહેર કાર્યક્રમમાં કહ્યું કે “કોરોના મહામારી દરમિયાન વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ સરકારે આપ્યું હતું; જેમને બે બાળકો હતા તેમને ઓછું રાશન મળ્યું. વધારે રાશન જોઈતું હોય તો તેમણે 20 બાળકો કેમ પેદા ન કર્યા?” તેમણે આગળ કહ્યું કે “આપણે 200 વર્ષ સુધી ‘અમેરિકા’ના ગુલામ હતા !” 16 માર્ચ 2021 ના રોજ તિરથસિંહે કહ્યું હતું કે “લોકો ફાટેલા-ripped જિન્સ પહેરે છે તે સંસ્કારહીનતા છે ! આવા જિન્સ પહેરનાર મહિલાઓ બાળકોને શું સંસ્કાર આપે?”
આપણા ડાયરાના કલાકારો પણ તિરથસિંહને ચડે તેવા છે; એમનું સંશોધન તો જૂઓ : “પાણીપુરીની લારીએ ઉભા રહીને પાણીપુરી ખાતી હોય તેની કુખે કોઈ દિવસ શીવાજી ન જન્મે !” મહિલાઓ જ્ઞાનહીન છે/સંસ્કારહીન છે; એવું દર્શાવવા ડાયરાના કલાકારો ટુચકાઓ કહેતા હોય છે ! બાબા રામદેવે 2018 માં પતંજલિ પરિધાન સ્ટોરના શુભારંભ વેળાએ કહ્યું હતું કે ફાટેલા જિન્સ સંસ્કારી હોય છે ! પ્રશ્ન ફાટેલા જિન્સનો નથી; ફાટેલી અને સડેલી માનસિકતાની સિલાઈ કરવાનો છે. અસંસ્કારી નેતાઓ કઈ રીતે સંસ્કારની વાતો કહેતા હશે?rs

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ