વ્યક્તિત્વને નિખારે તેવો અતુલ્ય ગુણ: નેતૃત્વ




કોરોના કાળ જેવાં કપરાં સમય બાદ, આપણો દેશ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે અને યુવાનો જે રીતે પોતાની

આગવી ઓળખ બનાવી અને દેશ-વિદેશમાં ભારતનો ડંકો વગાડી રહ્યાં છે, તે જોતાં ભારતીયોને ગર્વનો

અનુભવ થાય છે. સમગ્ર વિશ્વમાં જ્યારે સ્થિતિ ખૂબ વણસી રહી હતી તેવા સમયમાં, ભારતે નેતૃત્વ કરીને

વિશ્વગુરુ બનવાની હોડમાં વધુ એક ડગલું ભરીને પોતાની તાકાત બતાવી આપી છે. હેલ્થ કેર હોય કે પછી આઈ. ટી.

જેવું ચર્ચિત ક્ષેત્ર હોય, દરેક પગલે યુવાનોએ પડકારોને વધાવીને અતુલ્ય કાર્યક્ષમતા અને

નેતૃત્વ થકી દેશનું ગૌરવ વધાર્યું છે. દુનિયામાં ભારતીય યુવાનોની માંગ સતત ૨ દાયકાથી

વધી રહી છે, ત્યારે, ભારતમાં વસેલાં યુવાનો બેરોજગારી જેવી સમસ્યાનો સામનો કરી રહ્યાં

હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.


ઘણાં યુવાનો વિદેશમાં રહીને અભ્યાસ બાદ ત્યાં પોતાનો કાયમી વસવાટ ઈચ્છતા હોય છે.

તેઓ વિદેશમાં જરૂર પડતાં દરેક ગુણોને પોતાના ચરિત્રમાં સમાવેશ કરીને પોતાની લાયકાત

સાબિત કરતાં ખૂબ પ્રગતિ અને ખ્યાતિ પામી રહ્યાં છે. તેમની આવડતનો ભરપૂર ઉપયોગ

કરવા છતાં જ્યારે તેમને ઈચ્છિત સફળતા પ્રાપ્ત નથી થતી તો તેઓ દુઃખી થાય છે અને

માનસિક તાણ અનુભવે છે. આવા સમયે તેમને જો કોઈ આંતરિક પરિબળ મદદ કરી શકે એમ

હોય તો તે છે નેતૃત્વ. નેતૃત્વને ફક્ત કોઈ નેતા અથવા રાજનીતિ સાથે જોડવું થોડું અયોગ્ય

કહેવાય. નેતૃત્વ એક એવો ગુણ છે જે ૨૧મી સદીમાં દરેક ક્ષેત્રમાં કારકિર્દી માટે ખૂબ જ

અગત્યનો ભાગ ભજવે છે. એક પ્રતિભાશાળી યુવાન માટે કારકિર્દીમાં સંતુલન રાખવું ખૂબ જ

જરૂરી હોય ત્યારે આત્મવિશ્વાસ અને પોતાનું વિશ્લેષણ કરવાની આવડત થકી પહેલા પોતાનું

નેતૃત્વ કરવું ખૂબ મહત્વ ધરાવે છે.


તાજેતરમાં, એક પ્રખ્યાત કંપનીના સર્વે દ્વારા જાણવા મળ્યું કે જે વ્યક્તિ પોતાની વ્યક્તિગત

શક્તિ અને નબળાઈ વિશે સારી રીતે પરિચિત છે તેનું જીવન વધારે સંતુલિત, સફળ અને

આનંદમય વીત્યું છે. તે વ્યક્તિ મનગમતા કાર્યો કરવા સક્ષમ છે અને તેમાં ખૂબ કુશળતાથી

નેતૃત્વ કરી ઈચ્છિત ફળ મેળવી શકે છે. માટે જ, તમામ કંપનીઓએ આ ગુણ ધરાવતા

યુવાનોની માંગ સતત સમાજ સામે રાખી છે. આ દેશનું ભાવિ સક્ષમ હાથમાં ત્યારે જ કહી


શકાય જ્યારે એક વ્યક્તિ નેતૃત્વ કરી શકે, પોતાનું જીવન સફળતાપૂર્વક વિતાવવા સક્ષમ હોય

અને અન્ય લોકોને પણ સફળ જીવન જીવવા પ્રેરિત કરી તેમનો સાથ આપી જાણે! વિશ્વમાં

ટોચની સંસ્થાઓના આગેવાનો ભારતીય મૂળના હોવા એ ખૂબ ગર્વની વાત છે પણ એ ગર્વ જો

દરેક યુવાન અપાવવાનું નક્કી કરે તો ભારતમાં ક્યારેય ગરીબાઈ કે બેરોજગારીનો પ્રશ્ન ઊભો

જ નહિ થાય.


જે પણ ક્ષેત્રમાં યુવાનો આજે કારકિર્દી બનાવી રહ્યા છે તેમાં તેના ઉચ્ચ અધિકારીઓ પાસે

નેતૃત્વ કરવાની ક્ષમતા હોવા છતાં જો યુવાનોને તૈયાર નથી કરી રહ્યાં તો એ એક વિકાસશીલ

દેશ માટે ગતિમાં અવરોધ રૂપ કહી શકાય. જે વ્યક્તિ પહેલેથી સફળતા કેળવવાની પદ્ધતિ વિશે

જાણે છે તેણે આ લ્હાવો દેશના યુવાનોને પણ આપવો જોઈએ. જે ગુણો આજની યુવા-પીઢી

પાસે હોવા જોઈએ તેનું જ્ઞાન જ તેમની પાસે ન હોય તો તેનાથી બદનસીબ કોઈ રાજ્ય ન હોય

શકે! અને જો એ જ્ઞાન તેમની પાસેથી છીનવી લેવામાં આવે અથવા યુવાનોને ભ્રમિત કરી

દેવામાં આવે તો દેશની રાજનીતિ પણ ખાડે જઈ શકે છે. માટે જ, દેશનાં તમામ અગ્રણીઓ

અને આગેવાનોએ તેમની સાથે રહેલા દરેક યુવાનોને નેતૃત્વ કરવાની તક આપીને આ ગુણને

નિખારવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી દેશને કાબિલ નેતૃત્વ કરી શકે તેવા આગેવાનો મળે

અને તે દેશનાં વિકાસ કાર્યમાં સહકાર આપી શકે.


એક આગેવાનને એક શેઠ કરતાં ખૂબ અલગ રીતે વર્ણવવામાં આવે છે. એક કાબિલ શેઠ

પોતાને આગળ રાખીને તેના કર્મચારીઓને આગળ લઈ જાય છે, જ્યારે એક આગેવાન તમામ

વ્યક્તિને સાથે રાખીને ચાલતો જાય છે. એક માલિક તરીકે પોતે શેઠ અને બાકીના કર્મચારીઓ

વચ્ચે ભેદભાવ રહેવાનાં કારણે, જો તેમનાં કાર્યની કદર થતી ન જણાય તો તે વિકાસ માટે

અવરોધ બની શકે છે. જ્યારે એક યુવા આગેવાન તેની સાથે રહેલા તમામને એક સરખાં જાણી,

તેમનાં મૂલ્યો અને વિચારોને સન્માન આપી, એક મજબૂત સંગઠન તરીકે સફળ બનાવે છે.

મહત્વના નિર્ણય લેવામાં જો તમામ વ્યક્તિઓનો સાથ-સહકાર મળે અને તેમને પ્રોત્સાહિત

કરવામાં આવે તો કોઈ પણ કાર્ય ખૂબ ઝડપથી અને સફળતાપૂર્વક પાર પાડી શકાય.

“જ્યારે તમામ યુવા આગેવાનો સક્ષમ અને ગુણવત્તા યુક્ત વિશ્વસ્તરીય નેતૃત્વ કરી બતાવશે,

ત્યારે ભારતને અતુલ્ય એવું વિશ્વગુરુ બનતાં કોઈ નહિ રોકી શકે!”


~ વિવેક જોશી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ